(રાગઃ તારે દ્વાર આવ્યો કિરતાર)
સુણજો સાજન સંત, પર્યુષણ આવ્યા રે;
તમે પુણ્ય કરો પુણ્યવંત, ભવિક મન ભાવ્યાં રે… આંકણી.
વીર જિનેશ્વર અતિ અલવેસર, વાલા મારા પરમેશ્વર એમ બોલે રે;
પર્વ માંહે પર્યુષણ મોટા, અવર ન આવે તસ તોલે રે. પર્યુષણ… (1)
ચૌપદમાં જેમ કેસરી મોટો, વાલા મારા ખગમાં ગરુડ તે કહીએ રે;
નદી માંહે જેમ ગંગા મોટી, નગમાં મેરુ લહીએ રે. પર્યુષણ… (2)
ભૂપતિમાં ભરતેશ્વર ભાખ્યો વાલા મારા દેવમાંહે સૂર ઇન્દ્ર રે ;
તીરથમાં શેત્રુંજો દાખ્યો, ગ્રહ ગણમાં જેમ ચન્દ્ર રે.. પર્યુષણ… (3)
દસરા દીવાળીને વળી હોળી, વાલા મારા અખાત્રીજ દિવાસો રે ;
બળેવ પ્રમુખ બહુલાં છે બીજાં, પણ નહિ મુક્તિનો વાસો રે. પર્યુષણ..(4)
Also Read: મા – બાપને ભૂલશો નહિ..
તે માટે તમે અમર પળાવો, વાલા મારા અટ્ઠાઇ મહોચ્છવ કીજે રે ;
અટ્ઠમ તપ અધિકાઇ એ કરીને, નરભવ લહાવો લીજે રે. પર્યુષણ… (5)
ઢોલ દદામાં ભેરી નફેરી, વાલા મારા કલ્પસૂત્રને જગાવો રે ;
ઝાંઝરના ઝમકાર કરીને, ગોરીની ટોલી મલી આવો રે.. પર્યુષણ.. (6)
સોના રુપાને ફૂલડે વધાવો, વાલા મારા કલ્પસૂત્રને પૂજો રે ;
નવ વખાણ વિધિએ સાંભળતાં, પાપ મેવાસી ધૂજો રે.. પર્યુષણ… (7)
એમ અટ્ઠાઇ મહોચ્છવ કરતાં, વાલા મારા બહુ જન જગ ઉદ્ધારિયા રે;
વિબુધ વિમલ વર સેવક અહથી, નવ નિધિ રિદ્ધિ સિદ્ધિ વરિયા રે.. પર્યુષણ.. (8)