Shree Chandanbala ni Sajjay

પ્રાચીન સજ્ઝાય

(વીર પ્રભુનો ચૂડો)

(રાગ – ઓલી ચંદનબાળાને બારણે)

તારા મુખડા ઉપર જાઉં વારી રે, વીર મારાં મન માન્યા ;

તારા દર્શનની બલિહારી રે વીર, મુઠી બાકુળા માટે આવ્યા રે ;

મને હેત ધરી બોલાવ્યા રે.. વીર.. 1

પાયે કીધી ઝાંઝરની ઝેણ વીર, માથે કીધી મુગટની વેણ રે ; વીર.

પ્રભુ શાસનનો એક રુડો રે વીર. મેં તો પહેર્યો તારા નામનો ચૂડો રે.. 2

એ ચૂડો સદાકાળ છાજે રે, વીર. મારા માથે વીર ધણી ગાજે રે ; વીર

મને આપી જ્ઞાનની હેલી રે, વીર. પહેલા થયા ચંદનબાળા ચેલી રે.. 3

એને ઓઘો મુહપત્તિ આલ્યા રે, વીર. તિહાં મહાવીર વિચરતાં આવ્યા રે ;

મને આપી જ્ઞાનની હેલી રે, વીર. બીજાં થયાં મૃગાવતી ચેલી રે.. 4

તિહાં દેશના અમૃત ધારા રે, વીર. ભવિ જીવનો કીધો ઉપકાર રે ; વીર.

ચંદ્ર સૂર્ય મૂળ વિમાને આવ્યા રે વીર. ચંદનબાળા ઉપાશ્રયે આવ્યા રે… 5

ચંદ્ર સૂર્ય સ્વસ્થાને જાય રે વીર. મૃગાવતી ઉપાશ્રયે આવ્યા રે ; વીર.

ગુરુણીજી બાર ઉઘાડો રે વીર. ગુરુણીએ કીધો તાડો રે.. 6

ગુરુણીને ખમાવવા લાગ્યા રે, વીર. કેવળ પામ્યા ને કર્મ ભાગ્યા રે ;

એણે આવતાં સર્પને દીઠો રે, વીર. ગુરુણીજીનો હાથ ઊંચો લીધો રે..7

ગુરુણીજી ઝબકીને જાગ્યારે, વીર. સાધ્વીને પૂછવા લાગ્યા રે ; વીર.

તને એ શું કેવળ થાય રે, વીર. ગુરુણીજી તમારે પસાય રે.. 8

ચંદનબાળા ચેલીને ખમાવ્યા રે, વીર. તિહાં ખામતાં તે કેવળ પામ્યા રે ; વીર.

ગુરુણીને ચેલી મોક્ષ પાયા રે, વીર. તેમ પદ્મવિજય ગુણ ગાયા રે.. 9

(2)


વીર પ્રભુજી પધારો રાજ, વીર પ્રભુજી પધારો;

વિનંતી મુજ અવધરો રાજ, વીર પ્રભુ – એ આંકણી

ચંદનબાળા અતિ સુકુમાળા, બોલે વયણ રસાળા;

હાથને પગમાં જડી દિયા તાળા, સાંભળો દિનદયાળા. રાજ…. (1)

કઠિન છે મુજ કર્મ કહાણી, સુણો પ્રભુ મુજ વાણી,

રાજકુમારી હું ચૌટે વેચાણી, દુઃખતણી નથી ખામી. રાજ…. (2)

તાતજ મારો બંધન પડીયો, માતા મરણ જ પામી,

મસ્તકની વેણી કતરાણી, ભોગવી મે દુઃખખાણી. રાજ… (3)

મોંઘી હતી હું રાજકુટુંબમા, આજ છું ત્રણ ઉપવસી,

સુપડાના ખણે અદડના બાકુળાં, શું કહું દુઃખની રાશિ. રાજ…. (4)

શ્રાવણ ભાદરવા માસની પેરે, વરસે આંસુની ધારા,

ગદ્દ ગદ્દ કંઠે ચંદનબાળા, બોલે વચન કરુનાળા. રાજ… (5)

દુઃખ એ સઘળું ભૂલાયું પૂર્વનું, આપના દર્શન થાતાં,

દુઃખ એ સઘળું હૈયે જ આવે, પ્રભુ તુજ પાછા જાતા. રાજ…. (6)

ચંદન બાળાની અરીજી સુણીને, નીર નયનમાં નિહાળે,

બાકુળા લઈ વીર પ્રભુ પધારે, દયા કરી દિન દયાળે. રાજ… (7)

સોવન કરી ત્યાં થઈ વૃષ્ટિ, સાડી બાર કોડી સારી,

પંચ દિવ્ય તત્કાળ પ્રગટયાં, બંધન સર્વ વિદારી. રાજ… (8)

સંયમ લઈ કાજ સુધારે, ચંદનબાળા કુમારી,

વીર પ્રભુની સાહુણી પહેલી, પંચ મહાવ્રત ધારી. રાજ…. (9)

કર્મ ખાપવી મુક્તિ સીધાવ્યા, ધન્ય સતિ શિરદારી,

વિનય વિજય કહે ભાવ ધરીને, વંદુ હું વારંવારી. રાજ…. (10)

By admin

Leave a Reply