પુણ્યનું પોષણ પાપનું શોષણ, પર્વ પજુસણ પામીજી,
કલ્પ ઘરે પધરાવો સ્વામી, નારી કહે શિર નામીજી ;
કુંવર ગયવર ખંધે ચઢાવી, ઢોલ નિશાન વજડાવોજી,
સદગુરુ સંગે ચઢતે રંગે, વીરચરિત્ર સુણાવોજી… 1
પ્રથમ વખાણે ધર્મ સારથી પદ, બીજે સુપના ચારજી,
ત્રીજે સુપન પાઠક વળી ચોથે, વીર જનમ અધિકારજી ;
પાંચમે દીક્ષા છઠ્ઠે શિવપદ, સાતમે જિન ત્રેવીશજી,
આઠમે થિરાવલી સંભળાવી, પિયૂડા પૂરો જગીશજી… 2
છઠ્ઠ અઠ્ઠમ અઠ્ઠાઇ કીજે, જિનવર ચૈત્ય નમીજે જી,
વરસી પડિક્કમણું મુનિ વંદન, સંઘ સયલ ખામીજેજી ;
આઠ દિવસ લગે અમર પળાવી, દાન સુપાત્રે દીજેજી,
ભદ્રબાહુ ગુરુ વયણ સુણીને, જ્ઞાન સુધારસ પીજેજી… 3
તીરથમાં વિમલાચલ ગિરિમાં, મેરુ મહીધર જેમજી,
મુનિવરમાંહિ જિનવર મોટા, પર્વ પજુસણ તેમજી ;
અવસર પામી સાહમ્મિવચ્છલ, બહુ પકવાન વડાઇજી,
ખિમાવિજય જિન દેવી સિદ્ધાઇ, દિન દિન અધિક વધાઇજી… 4