Amritvel ni sajjay

ચેતન ! જ્ઞાન અજુવાળીયે, ટાળીએ મોહ સંતાપ રે ;

ચિત્ત ડમડોલતું વાળીએ, પાળીએ સહજ ગુણ આપ રે.. ।।1।।

ઉપશમ અમૃતરસ પીજીએ, કીજીએ સાધુ ગુણગાન રે ;

અધમ વયણે નવિ ખીજીએ, દીજીએ સજ્જન ને માન રે.. ।।2।।

ક્રોધ અનુબંધ નવિ રાખીએ, ભાખીએ વયણ મુખ સાર રે ;

સમકિત રત્નરુચિ જોડીએ, છોડીએ કુમતિ મતિ કાચ રે.. ।।3।।

શુદ્ધ પરિણામ ને કારણે, ચારનાં શરણ ધરે ચિત્ત રે ;

પ્રથમ તિહાં શરણ અરિહંતનું , જેહ જગદીશ જગ મિત્ત રે.. ।।4।।

જે સમોસરણમાં રાજતાં, ભાંજતા ભવિક સંદેહ રે ;

ધર્મના વચન વરસે સદા, પુષ્કરાવર્ત જિમ મેહ રે.. ।।5।।

શરણ બીજું ભજે સિદ્ધનું , જે કરે કર્મ ચકચૂર રે ;

ભોગવે રાજ શિવનગરનું , જ્ઞાન આનંદ ભરપૂર રે.. ।।6।।

સાધુનું શરણ ત્રીજું ધરે, જેહ સાધે શિવપંથ રે ;

મૂળ ઉત્તર ગુણે જે વર્યા, ભવ તર્યા ભાવ નિગ્રંથ રે.. ।।7।।

શરણ ચોથું ધરે ધર્મનું, જેહમાં વર દયાભાવ રે ;

જેહ સુખ હેતુ જિનવર કહ્યો, પાપ જલ તરવા નાવ રે..।।8।।

ચારનાં શરણ એ પડિવજે, વળી ભજે ભાવના શુદ્ધિ રે ;

દુરિત સવિ આપણા નિંદિએ, જીમ હોયે સંવર વૃદ્ધિ રે.. ।।9।।

ઇહ ભવ પરભવ આચર્યાં, પાપ અધિકરણ મિથ્યાત્વ રે;

જે જિનાશાતનાદિક ઘણાં, નિંદિએ તેહ ગુણઘાત રે. ।।10।।

ગુરુતણા વચન જે અવગણી, ગુંથિયા આપ મત જાલ રે ;

બહુ પરે લોકોને ભોળવ્યાં, નિંદિએ તેહ જંજાલ રે.. ।।11।।

જેહ હિંસા કરી આકરી, જેહ બોલ્યા મૃષાવાદ રે ;

જેહ પરધન કરી હરખીયાં, કીધલો કામ ઉન્માદ રે.. ।।12।।

જેહ ધન ધાન્ય મૂર્છાં ધરી, સેવિયા ચાર કષાય રે ;

રાગ ને દ્વેષને વશ હુઆ, જે કીયો કલહ ઉપાય રે.. ।।13।।

જૂઠ જે આળ પરને દિયા, જે કર્યા પિશુનતા પાપ રે ;

રતિ અરતિ નિંદ માયા મૃષા, વળીય મિથ્યાત્વ સંતાપ રે.. ।।14।।

પાપ જે એહવા સેવિયાં, નિંદિએ તેહ ત્રિહું કાલ રે ;

સુકૃત અનુમોદના કીજીએ, જિમ હોય કર્મ વિસરાલ રે.. ।।15।।

વિશ્વ ઉપકાર જે જિન કરે, સાર જિનનામ સંયોગ રે ;

તેહ ગુણ તાસ અનુમોદિએ, પુણ્ય અનુબંધ શુભયોગ રે.. ।।16।।

સિદ્ધની સિદ્ધતા કર્મના, ક્ષય થકી ઉપની જેહ રે ;

જેહ આચાર આચાર્યનો, ચરણવન સિંચવા મેહ રે.. ।।17।।

જેહ ઉવજ્ઝાયનો ગુણ ભલો, સૂત્ર સજ્ઝાય પરિણામ રે ;

સાધુની જેહ વળી સાધુતા, મૂળ ઉત્તર ગુણ ધામ રે.. ।।18।।

જેહ વિરતિ દેશશ્રાવક તણી, જેહ સમકિત સદાચાર રે ;

સમકિત દ્રષ્ટિ સુરનર તણો, તેહ અનુમોદિયે સાર રે.. ।।19।।

અન્યમાં પણ દયાદિક ગુણો, જેહ જિનવચન અનુસાર રે ;

સર્વ તે ચિત્ત અનુમોદિએ, સમકિત બીજ નિરધાર રે.. ।।20।।

પાપ નવિ તીવ્ર ભાવે કરે, જેહને નવિ ભવ રાગ રે ;

ઉચિત સ્થિતિ જેહ સેવે સદા, તેહ અનુમોદવા લાગ રે.. ।।21।।

થોડલો પણ ગુણ પરતણો, સાંભળી હર્ષ મન આણ રે ;

દોષ લવ પણ નિજ દેખતાં, નિર્ગુણ નિજ આત્મા જાણ રે.. ।।22।।

ઉચિત વ્યવહાર અવલંબને, એમ કરી સ્થિર પરિણામ રે ;

ભાવિયે શુદ્ધનય ભાવના, પાપનાશચ તણું ઠામ રે.. ।।23।।

દેહ મન વચન પુદગલ થકી, કર્મથી ભિન્ન તુજ રુપ રે ;

અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરુપ રે.. ।।24।।

કર્મથી કલ્પના ઉપજે, પવનથી જેમ જલધિ વેલ રે ;

રુપ પ્રગટે સહજ આપણું દેખતાં દ્રષ્ટિ સ્થિર મેલ રે.. ।।25।।

ધારતાં ધર્મની ધારણા, મારતાં મોતવડ ચોર રે ;

જ્ઞાનરુચિ વેલ વિસ્તારતાં, વારતાં કર્મનું જોર રે.. ।।26।।

રાગ વિષ દોષ ઉતારતાં , જારતાં દ્રેષ રસ શેષ રે ;

પૂર્વ મુનિ વચન સંભારતાં, વારતાં કર્મ નિ:શેષ રે.. ।।27।।

દેખિયે માર્ગ શિવ નગરનો, જે ઉદાસીન પરિણામ રે ;

તેહ અણછોડતાં ચાલીએ, પામીયે જિમ પરમધામ રે.. ।।28।।

શ્રી નયવિજય ગર શિષ્યની શીખડી અમૃત વેલ રે ;

એહ જે ચતુર નાર આદરે, તે લહે સુયશ રંગરેલ રે.. ।।29।।

By admin

Leave a Reply