Maun Ekadashi Ni Katha (મૌન એકાદશીની કથા)
ચોમાસી ચઉદશ વીત્યા પછી માગસર સુદ અગિયારસને દિવસે મૌન એકાદશીનું પર્વ આવે છે. આ દિવસે ત્રણ ચોવીસીઓનાં તીર્થંકરોના 150 કલ્યાણકો થયાં છે. તેથી આ દિવસ એવો શ્રેષ્ઠ છે કે આ દિવસે ઉપવાસ કરનારને 150 ઉપવાસનું ફળ મળે છે. આવા ઉત્તમ ફલને આપનાર આ પર્વની દરેકે અવશ્ય આરાધના કરવી જોઇએ. આ તિથિની આરાધના કરનાર સૂર શેઠની કથા ટૂંકાણમાં કહેવાય છે.
એક વાર બાવીસમાં શ્રી નેમનાથ પ્રભુ દ્વારિકા નગરીમાં સમોસર્યા. તે વખતે કૃષ્ણ મહારાજા પ્રભુને વાંદીને સભામાં બેઠો. પ્રભુએ વૈરાગ્યમય દેશના આપી. દેશનાને અન્તે કૃષ્ણે પૂછ્યું કે ” હે ભગવન ! વર્ષના 360 દિવસોમાં એવો કયો ઉત્તમ દિવસ છે કે જેમાં કરેલું થોડું પણ વ્રતાદિ તપ ઘણું ફળ આપે ?” જવાબમાં પ્રભુએ જણાવ્યું કે ” હે કૃષ્ણ ! માગસર સુદ એકાદશીનો દિવસ સર્વ પર્વોમાં ઉત્તમ છે, કારણકે તે દિવસે ત્રણ ચોવીસીના તીર્થંકરોના 150 કલ્યાણકો આવે છે.
તે આ પ્રમાણે - આ ભરત ક્ષેત્રમાં વર્તમાન ચોવીસીમાં આ દિવસે 1 અઢારમાં શ્રી અરનાથ પ્રભુની દીક્ષા થઇ છે, 2 એકવીસમાં નેમિનાથને કેવળજ્ઞાન થયું છે, 3 ઓગણીસમાં શ્રી મલ્લિનાથનો જન્મ થયો છે. 4-5 તેમની દીક્ષા તથા કેવળજ્ઞાન પણ તેજ દિવસે થયાં છે. એમ ભરતક્ષેત્રમાં આ ચોવીસમાં પાંચ કલ્યાણકો થયાં છે. એ પ્રમાણે કુલ પાંચ ભરત ક્ષેત્રો અને પાંચ ઐરવતક્ષેત્રોમાં પાંચ પાંચ કલ્યાણકો થયાં હોવાથી 50 થયાં. આ પ્રમાણે વર્તમાન ચોવીસીના 50 થયાં છે, તે પ્રમાણે અતીત (ગએલી) ચોવીસીમાં 50 થયાં છે. અને અનાગત (આવતી) ચોવીસીમાં પણ 50 થશે તેથી કુલ દોઢશો કલ્યાણકો આ તિથિએ થયા છે માટે આ તિથિએ ઉપવાસ કરવાથી પણ દોઢસો ઉપવાસનું ફળ મળે છે. પરંતુ આ તપની વિધિપૂર્વક જેઓ આરાધના કરે છે તેમના ફળનું તો કહેવું જ શું ? આ તપ 11 વર્ષે પૂરો થાય છે. આ દિવસે મુખ્યતાએ મૌન જાળવવાનું હોવાથી મૌન એકાદશી કહેવાય છે.
કૃષ્ણ મહારાજે ફરીથી પ્રભુને પૂછયું કે ‘હે ભગવંત ! પૂર્વે કોઇ ભાગ્યશાળી જીવે આ પર્વની આરાધના કરી છે ? તેમજ આરાધના કરવાથી તેને શું ફળ મળ્યું ? તે કૃપા કરી જણાવો’.
ત્યારે ભગવંતે આ પર્વની આરાધના કરનાર સૂર શેઠની કથા કહી, તેનો સાર આ પ્રમાણે -
ધાતકી ખંડમાં દક્ષિણ ભરતાર્ધમાં વિજયપુર નામના નગરમાં નરવર્મા નામે પરાક્રમી રાજા રાજ્ય કરતો હતો. તેને ચંદ્રાવતી નામે રાણી હતી. તે નગરમાં સૂર નામે મોટો વ્યવહારી (વેપારી) રહેતો હતો. તે ઘણો ધનવાન તથા દેવ - ગુરુનો પરમ ભક્ત હતો.
તે શેઠે એકવાર ગુરુને પૂછયું કે મારાથી રોજ ધર્મ બની શકતો નથી, માટે મને એવો એક દિવસ કહો કે જે દિવસે કરેલો ધર્મ ઘણા ફળવાળો થાય, તે વખતે ગુરુએ તેને મૌન એકાદશીનો મહિમા કહ્યો. તે દિવસે ચોવિહાર ઉપવાસ , આઠ પહોરનો પૌષધ કરવો વગેરે વિધિ જણાવી. શેઠે આદરપૂર્વક તે તપ શરુ કર્યો. અને વિધિપૂર્વક તે તપની આરાધના કરી. આયુષ્ય પૂર્ણ થયે શેઠ મરણ પામીને આરણ નામના અગિયારમાં દેવલોકમાં દેવ થયા.
ત્યાં દેવતાઇ ભોગો ભોગવીને આયુષ્ય પૂર્ણ થયે જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સૌરીપુર નગરમાં સમુદ્રદત્ત શેઠની પ્રીતિમતી સ્ત્રીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તે વખતે માતાને વ્રત પાળવાની ઇચ્છા થઇ. તેણીએ પૂર્ણ માસે સુંદર પુત્રને જન્મ આપ્યો. મધ્ય રાતે બાળકના નાલને છેદીને ભૂમિમાં દાટતાં નિધાન નીકળ્યું. તેનાથી પુત્રનો મોટો જન્મોત્સવ કર્યો. ગર્ભમાં હતો ત્યારે વ્રત પાળવાની ઇચ્છા થઇ તેથી તે બાળકનું** સુવ્રત** નામ પડયું.
પાંચ ધાવ માતાથી લાલન પાલન કરાતો તે સુવ્રત આઠ વર્ષનો થયો ત્યારે મોટા ઉત્સવપૂર્વક નિશાળે ભણવા મૂક્યો. ત્યાં સઘળી કળાઓ શીખ્યો. અનુક્રમે યુવાવસ્થામાં આવ્યો ત્યારે પિતાએ 11 સુંદર કન્યાઓ પરણાવી તેમની સાથે વિષય સુખ ભોગવતો તે કાળ પસાર કરે છે.
સમુદ્રદત્ત શેઠે પુત્રની યોગ્યતા જોઇને તેને ઘરનો ભાર સોપ્યો અને પોતે સામાયિક પ્રતિક્રમણાદિ ધર્મ કાર્ય કરવામાં સાવધાન થયા. અને અનશન કરી મરણ પામી દેવલોકમાં ગયા ત્યાર પછી સુવ્રત શેઠ અગિયાર ક્રોડ ધનના માલિક થયા. લોકોમાં પણ માનનીય થયા.
એક વખતે નગરના ઉદ્યાનમાં શીલસુંદર નામે ચાર જ્ઞાની આચાર્ય પધાર્યાં. વનપાલકે વધામણી આપવાથી રાજા પરિવાર સાથે ગુરુને વાંદવા ગયો. તે વખતે સુવ્રત શેઠ પણ ગુરુને વાંદવા આવ્યા આચાર્યશ્રીએ સભા આગળ ધર્મોપદેશ આપ્યો તેમાં મૌન એકાદશીનું મહાત્મ્ય જણાવ્યું. મૌન એકાદશીના તપની હકીકત સાંભળી સુવ્રત શેઠને તેનો વિચાર કરતાં જાતિ સ્મરણ જ્ઞાન ઉપજ્યું. તેથી પોતે દેવભવના પૂર્વ ભવમાં આ તિથિની આરાધના કરી તેથી દેવ થયો અને ત્યાંથી આવી અહીં સુવ્રત શેઠ થયો એમ જાણ્યું.
આ પ્રમાણે પોતાનો પૂર્વ ભવ જાણીને ઉભા થઇને બે હાથ જોડીને સુવ્રત શેઠે ગુરુને કહ્યું કે ” મારે અંગીકાર કરવા યોગ્ય ધર્મ જણાવો ” તે વખતે ગુરુએ પણ સભા સમક્ષ સુવ્રત શેઠનો પૂર્વ ભવ કહ્યો, પછી કહ્યું કે તમે પૂર્વ ભવમાં મૌન એકાદશીનું તપ કર્યું તેથી આ ભવમાં આવી ઋદ્ધિ પામ્યા છો. અને હવે પણ તેજ તપ કરો જેથી મોક્ષનાં સુખ પણ મળશે.
શેઠે પણ ભાવપૂર્વક કુટુંબ સહિત મૌન એકાદશીનું વ્રત ગ્રહણ કર્યું. મૌન અગિયારસને દિવસે શેઠ ઉપવાસમાં મૌન રહે છે એવું જાણવાથી ચોર લોકો તે દિવસે શેઠ ઉપવાસમાં મૌન રહે છે એવું જાણવાથી ચોર લોકો તે દિવસે શેઠને ઘેર ચોરી કરવા આવ્યા. ચોરોને જોવા છતાં શેઠ તો મૌન જ રહ્યા અને ધર્મ ધ્યાનમાં નિશ્ચલ રહ્યા. ચોરો ધન લઇને ચાલવા લાગ્યા. પરંતુ શાસન દેવીએ ચોરોને થંભાવી દીધા તેથી તેઓ ત્યાંથી ખસી શક્યા નહિ.
સવારે શેઠ કુટુંબ સાથે ધર્મશાળાએ જઇ ગુરુને વાંદીને પોસહ પારીને જ્ઞાનની પૂજા કરી ઘેર આવ્યા. ચોરોને તેવી જ અવસ્થામાં ઉભેલા જોયા. પરંપરાએ આ વાત રાજા પાસે ગઇ. રાજાએ ચોરોને પકડવા માટે સુભટોને મોકલ્યા. રાજા સુભટોને ન મારે એવો ચોરો ઉપર શેઠનો દયાભાવ થવાથી સુભટો પણ શેઠના તપના પ્રભાવે થંભી ગયા, આ વાત જાણીને રાજા પોતે ત્યાં આવ્યો. શેઠે રાજાનો આદર સત્કાર કર્યો. શેઠે રાજાને નમીને ચોરોને અભયદાન અપાવ્યું. શેઠની ઇચ્છા જાણી શાસનદેવે ચોરો તથા સુભટોને મુક્ત કર્યા સર્વે સ્વસ્થાને ગયા. આથી જૈન શાસનનો મહિમા વધ્યો.
એકવાર મૌન એકાદશીને દિવસે નગરમાં આગ લાગી તે આગ ફેલાતી ફેલાતી શેઠ પોસહમાં રહ્યા છે ત્યાં સુધી આવી પહોંચી. લોકોએ શેઠને ઘરમાંથી નીકળી જવાનું કહ્યું પરંતુ શેઠ તો કુટુંબ સહિત કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા, શેઠના ધર્મના પ્રભાવથી તેમના ઘર, હાટ, વખારો, પૌષધશાળા વગેરે સઘળું બચી ગયું તે સિવાય બધું નગર બળી ગયું.
પ્રભાતે શેઠની સઘળી સંપતિ બચી ગયેલી જોઇને સર્વ લોકો આશ્ચર્ય પામ્યા, શેઠની ધર્મ શ્રદ્ધાના વખાણ કરવા લાગ્યા. આ વાત જાણી ને રાજા પણ મંત્રી સામંતાદિ પરિવાર સાથે શેઠને ત્યાં આવ્યો તે પણ શેઠની સર્વ સંપત્તિ અખંડ રહેલી જોઇને આશ્ચર્ય પામ્યો. સર્વેએ જૈન ધર્મના વખાણ કર્યાં અને આજે જૈન ધર્મનો પ્રભાવ નજરે જોયો. એમ બોલવા લાગ્યા. શેઠે પણ તપ પૂરો થયો ત્યારે તપનું મોટું ઉજમણું કર્યું. બીજા પણ ધર્મના અનેક કાર્યો કર્યા. હવે મારે ગુરુ પાસે ચારિત્ર લઇને જન્મ સફલ કરવો જોઇએ. પુણ્યયોગે આત્મજ્ઞાની ગુણસુંદર નામે આચાર્ય ત્યાં પધાર્યા. શેઠે મોટા પુત્રને ઘર સોંપીને તેમની પાસે દીક્ષા લીધી. તે વખતે ઘણું દ્રવ્ય વાપર્યું. શેઠની 11 સ્ત્રીઓએ પણ તેમની સાથે દીક્ષા લીધી.
એકવાર મૌન એકાદશીના દિવસે સુવ્રત સાધુ કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા છે તે વખતે મિથ્યાત્વી દેવે તેમની પરીક્ષા કરી. તેમાં દેવે અન્ય સાધુના શરીરમાં પ્રવેશ કરી સુવ્રત સાધુને ઓઘો માર્યો. તે વખતે સુવ્રત સાધુ કોપ નહિ કરતાં ક્ષમાપૂર્વક વિચારણા કરે છે. વિચારામાં શુક્લ ધ્યાનમાં ઘાતી કર્મ ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા. દેવોએ મોટો ઉત્સવ કર્યો.
ત્યારપછી સુવ્રત કેવલી અનેક જીવોને ધર્મ પમાડી ઘણાં વર્ષો કેવલ પર્યાય પાળી છેવટે અનશન કરી મોક્ષે ગયા. બીજા પણ ઘણાં જીવો આ તપનું આરાધન કરી અનેક ઋદ્ધિઓ પામી મોક્ષે ગયા છે.
આ પ્રમાણે શ્રી નેમનાથ ભગવાને કૃષ્ણ વાસુદેવને મૌન એકાદશીનો મહિમા કહ્યો તે સાંભળી કૃષ્ણ વાસુદેવ પણ ધર્મ કાર્યમાં ઉદ્યમી થયા અને તીર્થંકર નામકર્મ બાંધ્યું.
કથાના વાંચનાર ભવ્ય જીવો પણ આ કથા વાંચી તપના આરાધક બનો.

Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)
Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)

Shri Siddhisuriswarji Maharaja na Sattavisa (bapji maharaj sattavisa)
Shri Siddhisuriswarji Maharaja na Sattavisa (bapji maharaj sattavisa)
