Hitsiksha Chhatrishi

સાંભળજો સજજન નરનારી હિતશિખામણ સારીજી,

રીસ કરે દેતાં શિખામણ, ભાગ્યદશા પરવારીજી.

1. સુણજો સજ્જન રે, લોક વિરુદ્ધ નિવાર,

સુણજો સજ્જન રે, જગત વડો વ્યવહાર.

2. મૂરખ બાલક જાચક વ્યસની, કારું ને વળી નારું જી,

જો સંસારે સદા સુખ વંછો તો, ચોરની સંગત વારું જી..

3. વેશ્યા સાથે વણજ ન કરીએ, નીચશું નેહ ન ધરીએ જી,

ખાંપણ આવે ઘર ધન જાવે, જીવિતને પરહરીએ જી..

4. કામ વિના પર ઘર નવિ જઇએ, આળ જાળ ન દીજે જી,

બળિયા સાથે બાથ ન ભરીએ, કુટુંબ કલહ નવિ કીજે જી..

5. દુશ્મન શું પરનારી સાથે, તજીએ વાત એકાંતે જી,

માત- બહેન શું મારગ જાતા, વાત ન કરીએ રાતે જી..

6. રાજા – રમણી ઘરનો સોની, વિશ્વાસે નવિ રહીએ જી,

માત – પિતા – ગુરુ વિણ બીજાને, ગુહ્રની વાત ન કહીએ જી..

7. અણજાણ્યા શું ગામ ન જઇએ, ઝાડ તળે નવ વસિયે જી,

હાથી, ઘોડા, ગાડી જાતાં, દુર્જનથી દૂર ખસીએ જી..

8. રમત કરતા રીસ ન કરીએ, ભય મારગ નવિ જઇએ જી,

બે જણ વાત કરે જિહાં છાની, તિહાં ઉભા નવિ રહીએ જી..

9. હુંકારા વિણ વાત ન કરીએ, ઇચ્છા વિણ નવિ જમીએ જી,

ધનવિદ્યાનો મદ પરિહરિએ, નમતાં સાથે નમીએ જી…

10. મૂરખ, જોગી, રાજા, પંડિત, હાંસી કરી નવિ હસીએ જી,

    હાથી, વાઘ, સર્પ, નર વઢતાં, દેખીને દૂર ખસીએ જી..

    11. કુવા કાંઠે હાંસી ન કરીએ, કેફ કરી નવિ ભમીએ જી,

      વરો ન કરીએ ઘર વેચીને, જુગટડે નવિ રમીએ જી..

      12. ભણતાં – ગણતાં આળસ તજીએ, લખતાં વાત ન કરીએ જી,

        પરહસ્તે પરદેશ દુકાને, આપણું નામ ન ધરીએ જી..

        13. નામું માંડો આળસ છંડી, દેવાદાર ન થઇએ જી,

          કષ્ટ ભયાનક થાનક વરજી, દેશાવર જઇ રહીએ જી..

          14. ધનવંતોનો વેશ મલીનતા પગશું પગ ઘસી ધોવે જી,

            નાપિત ઘર જઇ શિર મુંડાવે, પાણીમાં મુખ જોવે જી..

            15. નાવણ દાતણ સુંદર ન કરે, બેઠો તરણાં તોડે જી,

              ભૂંએ ચિત્રામણ નાગો સૂએ, તેને લક્ષ્મી છોડે જી..

              16. માતા ચરણે શિશ નમાવી, બાપને કરીએ પ્રણામો જી,

                દેવગુરુને વિધિએ વાંદી, કરે સંસારનાં કામો જી…

                17. બે હાથે માથું નવિ ખણીએ, કાન નવિ ખોતરીએ જી,

                  ઉભા કેડે હાથ ન દીજે, સામે પૂરે ન તરીએ જી..

                  18. તેલ- તમાકુ દૂરે તજીએ, અળગણ જળ નવિ પીજે જી,

                    કુલવંતી સતીને શિખામણ, હવે નરભેળી દીજે જી…

                    19. સસરો – સાસુ – જેઠ- જેઠાણી, નણદી વિનય મ મૂકોજી,

                      શાણપણે શેરી સંચરતાં, ચતુરા ચાલ મ ચૂકો..

                      20. નીચ સાહેલી સંગ ન કીજે, પરમંદિર ન ભમીએ જી,

                      રાત્રિ પડે ઘરબાર ન જઇએ, સહુને જમાડીને જમીએ જી…

                      21. ધોબણ – માલણ ને કુંભારણ – જોગણ સંગ ન કરીએ જી,

                      સહેજે કોઇક આળ ચડાવે, એવડું શાને કરીએ જી..

                      22. નિજ ભરથાર ગયો દેશાવર, તવ શણગાર ન ધરીએ જી,

                      જમવા નાતિ વચે નવ જઇએ, દુર્જન દેખી ડરીએ જી…

                      23. પરશેરી ગરબો ગાવાને, મેળે- ખેલે ન જઇએ જી,

                      નાવણ – ધોવણ નદી કિનારે, જાતાં નિર્લજ્જ થઇએ જી..

                      24. ઉપતડે પગે ચલ ચાલીજે, હુન્નર સહુ શીખીજેજી,

                      સ્નાન સુવસ્ત્રે રસોઇ કરીને, દાન સુપાત્રે દીજે જી..

                      25. શોક્યતણાં લઘુ બાળ દેખી, મ ધરો ખેદ હૈયા મેં જી,

                      તેહની સુખ શીતલ આશિષે, પુત્ર તણાં ફળ પામે જી..

                      26. બાર વરસ બાળક સુરપડિમા, એ બે સરિખાં કહીએ જી,

                      ભક્તિ કરે સુખ – લીલા પામે, ખેદ કરે દુ:ખ લહીએ જી..

                      27. નર – નારી બેઉને શિખામણ, મુખ લવરી નવિ હસીએ જી,

                      નાતિ – સગાના ઘર છોડીને, એકલડાં નવ વસીએ જી..

                      28. વમન કરીને ચિત્ત જાળે, નબળે આસન બેસીજી,

                      વિદેશે દક્ષિણ દિશિ અંધારે, બોટ્યું પશુએ પેસી જી..

                      29. અણજાણ્યે ઋતુવંતી પાત્રે, પેટ અજીરણ વેળાજી,

                      આકાશે ભોજન નવિ કરીએ, બે જણ બેસી ભેળા જી..

                      30. અતિશય ઉનું – ખારું – ખાટું શાક ઘણું નવિ ખાવું જી,

                      મૌન પણે ઉઠીંગણ વરજી, જમવા પહેલા ન્હાવું જી..

                      31. ધાન્ય વખાણી – વખોડી ન ખાવું, તડકે બેસી ન જમવું જી,

                      માંદા પાસે રાત તજીને, નરણાં પાણી ન પીવું જી..

                      32. કંદમૂળ, અભક્ષ્ય, બોળો, વાસી, વિદળ તે વર્જો જી,

                      જૂઠ તજો પરનિંદા, હિંસા, જો વળી નરભવ સર્જો જી..

                      33. વ્રત – પચ્ચક્ખાણ ધરી ગુરુ હાથે, તીરથ યાત્રા કરીએ જી,

                      પુણ્ય ઉદય જો મોટો પ્રગટે, તો સંઘવી પદ ધરીએ જી..

                      34. મારગમાં મન મોકળું રાખી, બહુવિધ સંઘ જમાડો જી,

                      સુરલોકે સુખ સઘળાં પામે, પણ નહિ એહવો દહાડો જી..

                      35. તીરથ તારણ શિવસુખ કારણ, સિદ્ધાચલ ગિરનારે જી,

                      પ્રભુભક્તિ ગુણ શ્રેણે ભવજલ, તરીએ એક અવતારે જી..

                      36. લૌકિક લોકોત્તર હિતશિક્ષા છત્રીસી એ બોલીજી,

                      પંડિત શ્રી શુભવીર વિજય મુખ- વાણી મોહન વેલી જી…

                      By admin

                      Leave a Reply