ભૂલો ભલે બીજું બધું મા – બાપ ને ભૂલશો નહિ,
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ,
પત્થર પૂજ્યા પૃથ્વી તણાં, ત્યારે દીઠું તમ મુખડું,
એ પુનિત જનના કાળજાં, પત્થર બની છૂંદશો નહિ.
કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઇ મોટા કર્યાં,
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ.
લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યાં,
એ કોડના પૂરનાર ના, કોડ પૂરવા ભૂલશો નહિ.
લાખો કમાતા હો ભલે, મા – બાપ જેથી ના ઠર્યાં,
એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ.
સંતાનથી સેવા ચાહો, તો સંતાન બની સેવા કરો,
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ.
Also Read: એક મનોરથ એવો છે…
ભીને સૂઇ પોતે અને સૂકે સૂવડાવ્યાં આપને,
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ.
પુષ્પો બીછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર,
એ રાહબરનાં રાહ પર, કંટક કદી બનશો નહિ.
ધન ખરચતાં મળશે બઘું, માતા – પિતા મળશે નહિ,
પલ પલ પુનિત એ ચરણની ચાહના ભૂલશો નહિ.