સકલ તીર્થ વંદું કર જોડ,
જિનવર નામે મંગલ ક્રોડ
પહેલે સ્વર્ગે લાખ બત્રીશ,
જિનવર ચૈત્ય નમું નિશ – દિશ ।।1।।
બીજે લાખ અઠ્ઠાવીશ કહ્યાં,
ત્રીજે બાર લાખ સદ્હ્યાં
ચોથે સ્વર્ગે અડ લખ ધાર,
પાંચમે વંદું લાખ જ ચાર ।।2।।
છઠ્ઠે સ્વર્ગે સહસ પચાસ,
સાતમે ચાલીસ સહસ પ્રાસાદ
આઠમે સ્વર્ગે છ હજાર,
નવ દશમેં વંદું શત ચાર ।।3।।
અગિયાર બારમે ત્રણસેં સાર,
નવ ગ્રૈવેયકે ત્રણસેં અઢાર
પાંચ અનુત્તર સર્વે મળી,
લાખ ચોરાશી અધિકાં વળી ।।4।।
સહસ સત્તાણું ત્રેવીશ સાર,
જિનવર ભવન તણો અધિકાર
લાંબા સો જોજન વિસ્તાર,
પચાસ ઉંચાં બહોંતેર ધાર.. ।।5।।
એક સો એંશી બિંબ પ્રમાણ,
સભા સહિત એક ચૈત્યે જાણ
સો ક્રોડ બાવન ક્રોડ સંભાલ,
લાખ ચોરાણું સહસ ચૌઆલ.. ।।6।।
સાતસેં ઉપર સાઠ વિશાલ,
સવિ બિંબ પ્રણમું ત્રણ કાળ
સાત ક્રોડ ને બહોંતેર લાખ,
ભવનપતિમાં દેવલ ભાખ.. ।।7।।
એક સો એંશી બિંબ પ્રમાણ,
એક એક ચૈત્યે સંખ્યા જાણ
તેરસેં ક્રોડ નેવ્યાસી ક્રોડ,
સાઠ લાખ વંદું કર જોડ.. ।।8।।
બત્રીસે ને ઓગણસાઠ,
તીર્છા લોકમાં ચૈત્યનો પાઠ
ત્રણ લાખ એકાણું હજાર,
ત્રણસેં વીશ તે બિંબ જુહાર.. ।।9।।
વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ,
શાશ્વતા જિન વંદું તેહ
ઋષભ, ચંદ્રાનન, વારિષેણ,
વર્ધમાન નામે ગુણ – સેણ …।।10।।
સમ્મેત – શિખર વંદું જિન વીશ,
અષ્ટાપદ વંદું ચોવીશ
વિમલાચલ ને ગઢ ગિરનાર,
આબુ ઉપર જિનવર જુહાર.. ।।11।।
શંખેશ્વર કેસરિયો સાર,
તારંગે શ્રી અજિત જુહાર
અંતરિખ વરકાણો પાસ,
જીરાઉલો ને થંભણ પાસ.. ।।12।।
ગામ નગર પુર પાટણ જેહ,
જિનવર ચૈત્ય નમું ગુણગેહ
વિહરમાન વંદું જિન વીશ,
સિદ્ધ અનંત નમું નિશ – દિશ.. ।।13।।
અઢી દ્વીપમાં જે અણગાર,
અઢાર સહસ શીલાંગના ધાર
પંચ મહા-વ્રત સમિતિ સાર,
પાળે પળાવે પંચાચાર.. ।।14।।
બાહ્ય અભ્યંતર તપ ઉજમાળ,
તે મુનિ વંદું ગુણ – મણિ – માલ
નિત નિત ઉઠી કીર્તિ કરું,
જીવ કહે ભવ સાયર તરું… ।।15।।