મંદિર છો મુક્તિ તણા, માંગલ્ય ક્રીડાના પ્રભુ,
ને ઇન્દ્ર નર ને દેવતા સેવા કરે તારી વિભુ ;
સર્વજ્ઞ છો સ્વામી વળી, શિરદાર અતિશય સર્વના;
ઘણું જીવ તું ઘણું જીવ તું, ભંડાર જ્ઞાનકળા તણા. 1
ત્રણ જગતના આધાર ને, અવતાર હે કરુણાતણા,
વળી વૈદ્ય હે દુર્વાર આ, સંસારના દુઃખો તણા;
વીતરાગ વલ્લભ વિશ્વના, તુજ પાસ અરજી ઉચ્ચરું,
જાણો છતાં પણ કહી અને, આ હ્રદય હું ખાલી કરું. 2
શું બાળકો મા- બાપ પાસે, બાળક્રીડા નવ કરે,
ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે,
તેમજ તમારી પાસ તારક આજ ભોળાભાવથી,
જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી. 3
Also Read: મહાવીર સ્વામી ભગવાનનું હાલરડું
મેં દાન તો દીધું નહિ ને, શીયળ પણ પાળ્યું નહિ,
તપથી દમી કાયા નહિ, શુભભાવ પણ ભાવ્યો નહિ;
એ ચાર ભેદે ધર્મમાંથી કાંઇ પણ પ્રભુ નવ કર્યું,
મ્હારું ભ્રમણ ભવસાગરે, નિષ્ફળ ગયું નિષ્ફળ ગયું. 4
હું ક્રોધ અગ્નિથી બળ્યો, વળી લોભ સર્પ ડશ્યો મને,
ગળ્યો માનરુપી અજગરે, હું કેમ કરી ધ્યાવું તને ?
મન મારું માયાજાળમાં મોહન ! મહા મૂંઝાય છે,
ચડી ચાર ચોરો હાથમાં ચેતન ઘણો ચગદાય છે. 5
મેં પરભવે કે આ ભવે પણ હિત કાંઇ કર્યું નહિ,
તેથી કરી સંસારમાં સુખ અલ્પ પણ પામ્યો નહિ ;
જન્મો અમારા જિનજી ભવ પૂર્ણ કરવાને થયા,
આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા. 6
અમૃત ઝરે તુજ મુખરુપી ચંદ્રથી તો પણ પ્રભુ,
ભિંજાય નહિ મુજ મન અરેરે ! શું કરું હું તો વિભુ;
પત્થર થકી પણ કઠણ મારું મન ખરે ક્યાંથી દ્રવે,
મરકટ સમા આ મન થકી હું તો પ્રભુ હાર્યો હવે. 7
ભમતાં મહા ભવસાગરે પામ્યો પસાયે આપના,
જે જ્ઞાન દર્શન ચરણરુપી રત્નત્રય દુષ્કર ઘણા;
તે પણ ગયા પરમાદના વશથી પ્રભુ કહું છું ખરું,
કોની કને કિરતાર આ, પોકાર હું જઇને કરું ? 8
ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા,
ને ધર્મનો ઉપદેશ રંજન લોકને કરવા કર્યા ;
વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું ?
સાધુ થઇને બહારથી દાંભિક અંદરથી રહું. 9
Also Read: નવ અંગ પૂજાના દુહા
મેં મુખને મેલું કર્યું દોષો પરાયા ગાઇને,
ને નેત્રને નિંદિત કર્યા પરનારીમાં લપટાઇને ;
વળી ચિત્તને દોષિત કર્યું ચિંતી નઠારું પરતણું,
હે નાથ ! મારું શું થશે ચાલાક થઇ ચૂક્યો ઘણું. 10
કરે કાળજાને કતલ પીડા, કામની બીહામણી,
એ વિષયમાં બની અંધ હું, વિડંબના પામ્યો ઘણી ;
તે પણ પ્રકાશ્યું આજ લાવી, લાજ આપ તણી કને,
જાણો સહું તેથી કહું, કર માફ મારા વાંકને. 11
નવકાર મંત્ર વિનાશ કીધો, અન્ય મંત્રો જાણીને,
કુશાસ્ત્રનાં વાક્યો વડે, હણી આગમોની વાણીને ;
કુદેવની સંગત થકી, કર્મો નકામાં આચર્યાં,
મતિ ભ્રમ થકી રત્નો ગુમાવી, કાચ કટકાં મેં ગ્રહ્યા. 12
Also Read : અષ્ટપ્રકારી પૂજાના દુહા
આવેશ દ્રષ્ટિમાર્ગમાં, મૂકી મહાવીર આપને,
મેં મૂઢધીએ હ્રદયમાં, ધ્યાયા મદનના ચાપને;
નેત્રબાણો ને પયોધર, નાભી ને સુંદર કટી,
શણગાર સુંદરીઓ તણા, છટકેલ થઇ જોયા અતિ. 13
મૃગનયનીસમ નારી તણાં, મુખચંદ્ર નીરખવા થકી,
મુજ મન વિષે જે રંગ લાગ્યો, અલ્પ પણ ગૂઢો અતિ ;
તે શ્રુતરુપ સમુદ્રમાં, ધોયા છતાં જાતો નથી,
તેનું કહો કારણ તમે, બચું કેમ હું આ પાપથી ? 14
સુંદર નથી આ શરીર કે, સમુદાય ગુણ તણો નથી,
ઉત્તમ વિલાસ કળા તણી, દેદીપ્યમાન પ્રભા નથી ;
પ્રભુતા નથી તો પણ પ્રભુ, અભિમાનથી અક્કડ ફરું,
ચોપાટ ચાર ગતિ તણી, સંસારમાં ખેલ્યા કરું. 15
આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ નવ ઘટે,
આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ મટે;
ઔષધ વિષે કરું યત્ન પણ હું ધર્મને તો નવ ગણું,
બની મોહમાં મસ્તાન હું પાયા વિનાનાં ચણ ચણું. 16
આત્મા નથી પરભવ નથી, વળી પુણ્ય પાપ કશું નથી,
મિથ્યાત્વની કટુ વાણી મેં, ધરી કાન પીધી સ્વાદથી;
રવિ સમ હતા જ્ઞાને કરી, પ્રભુ આપશ્રી તો પણ અરે,
દીવો લઇ કૂવે પડ્યો, ધિક્કાર છે મુજને ખરે. 17
Also Read: તું પ્રભુ મારો હું પ્રભુ તારો
મેં ચિત્તથી નહિ દેવની કે પાત્રની પૂજા ચહી,
ને શ્રાવકો કે સાધુઓનો, ધર્મ પણ પાળ્યો નહિ;
પામ્યો પ્રભુ નરભવ છતાં, રણમાં રડ્યા જેવું થયું,
ધોબીતણા કુત્તા સમું, મમ જીવન સહુ એળે ગયું. 18
હું કામઘેનુ કલ્પતરુ ચિંતામણિના પ્યારમાં,
ખોટા છતાં ઝંખ્યો ઘણું, બની લુબ્ધ આ સંસારમાં;
જે પ્રગટ સુખ દેનાર ત્હારો ધર્મ તે સેવ્યો નહિ,
મુજ મૂર્ખ ભાવોને નિહાળી નાથ ! કર કરુણા કાંઇ. 19
મેં ભોગ સારા ચિંતવ્યા તે રોગ સમ ચિંત્યા નહિ,
આગમન ઇચ્છયું ધન તણું પણ મૃત્યુને પીંછ્યું નહિ ;
નહિ ચિંતવ્યું મેં નર્ક – કારાગ્રહ સમી છે નારીઓ,
મધુબિંદુની આશા મહીં ભયમાત્ર હું ભૂલી ગયો. 20
હું શુદ્ધ આચારો વડે, સાધુ હ્રદયમાં નવ રહ્યો,
કરી કામ પર ઉપકારનાં, યશ પણ ઉપાર્જન નવ કર્યાં ;
વળી તીર્થના ઉદ્વાર આદિ, કોઇ કાર્યો નવ કર્યાં,
ફોગટ અરે આ લક્ષ, ચોરાશી તણા ફેરા ફર્યાં. 21
Also Read: જિનશાસન ગીત..
ગુરુવાણીમાં વૈરાગ્ય કેરો, રંગ લાગ્યો નહિ અને,
દુર્જન તણા વાક્યો મહીં, શાંતિ મળે ક્યાંથી મને;
તરું કેમ હું સંસાર આ, અધ્યાત્મ તો છે નહિ જરી,
તુટેલ તળીયાનો ઘડો, જળથી ભરાયે કેમ કરી ? 22
મેં પરભવે નથી પુન્ય કીધું, ને નથી કરતો હજી,
તો આવતા ભવમાં કહો, ક્યાંથી થશે હે નાથજી;
ભૂત ભાવી ને સાંપ્રત ત્રણે, ભવ નાથ ! હું હારી ગયો,
સ્વામી ! ત્રિશંકુ જેમ હું, આકાશમાં લટકી રહ્યો. 23
અથવા નકામું આપ પાસે, નાથ શું બકવું ઘણું ?
હે દેવતાના પૂજ્ય ! આ, ચારિત્ર મુજ પોતા તણું ;
જાણો સ્વરુપ ત્રણ લોકનું, તો મ્હારું શું માત્ર આ,
જ્યાં ક્રોડનો હિસાબ નહિ ત્યાં, પાઇની તો વાત ક્યાં ? 24
તારાથી ન સમર્થ અન્ય દીનનો, ઉદ્વારનારો પ્રભુ !
મ્હારાથી નહિ અન્ય પાત્ર જગમાં, જોતાં જડે હે વિભુ ;
મુક્તિ મંગળ સ્થાન તોય મુજને, ઇચ્છા ન લક્ષ્મી તણી,
આપો સમ્યગ્ રત્ન શ્યામ જીવને, તો તૃપ્તિ થાયે ઘણી. 25