Shri Shatrunjay Duha, Stavan, Thoy, Chaityavandan

શ્રી શત્રુંજયના દુહા

સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મોઝાર ;

મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. 1

સોરઠ દેશમાં સંચર્યો, ન ચઢ્યો ગઢ ગિરનાર ;

શેત્રુંજી નદીએ નાહ્યો નહીં, એનો એળે ગયો અવતાર. 2

શેત્રુંજી નદીએ નાહીને, મુખબાંધી મુખકોશ ;

દેવ યુગાદિ પૂજીએ, આણી મન સંતોષ.. 3

એકેકું ડગલું ભરે, શેત્રુંજા સામું  જેહ ;

ઋષભ કહે ભવ ક્રોડનાં, કર્મ ખપાવે તેહ.. 4

શેત્રુંજા સમો તીરથ નહિ, ઋષભ સમો નહિ દેવ ;

ગૌતમ સરિખા ગુરુ નહિ, વળી વળી વંદુ તેહ.. 5

જગમાં તીરથ દો વડા, શત્રુંજય ગિરનાર ;

એક ગઢ ઋષભ સમોસર્યા, એક ગઢ નેમકુમાર.. 6

સિદ્ધાચલ સિદ્ધિ વર્યા, મુનિવર કોડી અનંત ;

આગે અનંતા સિદ્ધશે, પૂજો ભવિ ભગવંત.. 7

શત્રુંજય ગિરિ – મંડણો, મરુદેવાનો નંદ ;

યુગલાધર્મ નિવારણો, નમો યુગાદિ જિણંદ.. 8

તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિ સુખ ભોગ ;

વળી વળી એ ગિરિવંદતા, શિવરમણી સંયોગ.. 9

શ્રી શત્રુંજયનું ચૈત્યવંદન

શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે ;

ભાવ ધરીને જે ચઢે, તેને ભવ પાર ઉતારે.. 1

અનંત સિદ્ધનો એહ ઠામ, સકલ તીર્થનો રાય,

પૂર્વ નવાણું ઋષભદેવ, જ્યાં ઠવિયા પ્રભુ પાય… 2

સૂરજકુંડ સોહામણો, કવડ – જક્ષ અભિરામ,

નાભિરાયા કુલ – મંડણો, જિનવર કરું પ્રણામ… 3

શ્રી શત્રુંજયનું સ્તવન

વિમલાચલ નિતુ વંદીએ, કીજે એહની સેવા,

માનું હાથ એ ધર્મનો, શિવતરું ફળ લેવા.. વિમલા0.. 1

ઉજ્જવલ જિનગૃહ મંડલી, તિહાં દીપે ઉતંગા ;

માનું હિમગિરિ વિભ્રમે, આઇ અંબર ગંગા… વિમલા0.. 2

કોઇ અનેરું જગ નહિ, એ તીરથ તોલે ;

એમ શ્રીમુખ હરિ આગળે, શ્રી સીમંધર બોલે.. વિમલા0… 3

જે સઘળાં તીરથ કહ્યાં, યાત્રા ફળ કહિએ ;

તેહથી એ ગિરિ ભેટતાં, શતગણું ફળ લહિએ.. વિમલા0… 4

જન્મ સફળ હોય તેહનો, જે એ ગિરિ વંદે ;

સુજસવિજય સંપદ લહે, તે નર ચિર નંદે.. વિમલા0… 5

શ્રી શત્રુંજયની થોય

શ્રી શત્રુંજયમંડળ, ઋષભ જિણંદ દયાલ,

મરુદેવાનંદન, વંદન કરું ત્રણ કાળ ;

એ તીરથ જાણી, પૂર્વ નવ્વાણું વાર,

આદિશ્વર આવ્યા, જાણી લાભ અપાર.. 1

ત્રેવીશ તીર્થંકર, ચઢીયા ઇણ ગિરિરાય,

એ તીરથના ગુણ, સુર અસુરાદિક ગાય ;

એ પાવન તીરથ, ત્રિભુવન નહિ તસ તોલે,

એ તીરથના ગુણ, સીમંધર મુખ બોલે… 2

પુંડરિકગિરિ મહિમા, આગમમાં પ્રસિદ્ધ,

વિમલાચલ ભેટી, લહીએ અવિચલ રિદ્ધ ;

પંચમી ગતિ પહોંચ્યા, મુનિવર ક્રોડાક્રોડ,

ઇણ તીરથ આવી, કર્મ વિપાક વિછોડ.. 3

શ્રી શત્રુંજય કેરી, અહોનિશ રક્ષાકારી,

શ્રી આદિ જિનેશ્વર, આણ હ્રદયમાં ધારી ;

શ્રી સંઘ વિઘનહર, કવડજક્ષ ગણ ભૂર,

શ્રી રવિબુધ સાગર, સંઘના સંકટ ચૂર… 4

By admin

Leave a Reply